ધરમપુરમાં કેરીની આવકથી બામટી માર્કેટ ધમધમ્યું
- byDamanganga Times
- 11 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૧૦ ઃ ધરમપુર ખાતે ઉનાળાની સિઝન દરમિયાન કેરીની આવકમાં નોંધપાત્ર વધારો થતા ખેરગામ રોડ સ્થિત બામટી માર્કેટમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે. ખાસ કરીને કેસર કેરીના ૧૫૦૦થી ૨૦૦૦ રૂપિયા સુધીના ભાવ બોલાતા ખેડૂતોથી લઈને વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
કેરી ભરેલા ટેમ્પા, નાના-મોટા વાહનો અને વેપારીઓની અવરજવર વધતા આસુરા બિરસા મુંડા સર્કલ, ત્રણ દરવાજા વિસ્તારથી લઈ જુના જકાતનાકા અને ખેરગામ તરફ જતાં માર્ગ પર લાંબા સમય સુધી ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. વાહનોની લાંબી કતારો લાગતા સામાન્ય જનતા તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
કરંજવેરી પુલથી ભારે વાહનોની અવરજવર માટે પાબંદી હોવાથી કેરી ભરેલા ટેમ્પાઓને આ જ માર્ગ પરથી પસાર થવું પડી રહ્નાં છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઉદભવી રહી છે.
આ વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા રોજિંદી ધોરણે ટ્રાફિક નિયંત્રણની વ્યવસ્થા કરવામાં આવે ઍવી માંગ ઉઠી છે.
