સેલવાસની લોક અદાલતમાં ૪૩ કેસોનો નિકાલ
- byDamanganga Times
- 11 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૧૦ ઃ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ, નવી દિલ્હી તથા રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, દાદરા અને નગર હવેલીના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, દાદરા અને નગર હવેલી દ્વારા શનિવારે સિલવાસા જિલ્લા ન્યાયાલય પરિસરમાં રાષ્ટ્રીય લોક અદાલતનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ૧૦ વાગ્યાથી શરૂ થયેલી લોક અદાલતમાં વિવિધ પ્રકારના કેસોનો પરસ્પર સમાધાન દ્વારા ઝડપી નિકાલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
માનનીય અધ્યક્ષ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને પ્રિન્સિપલ જિલ્લા તથા સત્ર ન્યાયાધીશ વિભા ઇંગલેના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ લોક અદાલતમાં ચેક બાઉન્સ કેસ, શ્રમ વિભાગના કેસો, મોટર અકસ્માત દાવા, જમીન અધિગ્રહણ કેસો, રેવન્યુ કેસો, વૈવાહિક વિવાદો, ફોજદારી કમ્પાઉન્ડેબલ કેસો, બેંક અને ગ્રાહક કેસો, ગ્રામ પંચાયત તેમજ પ્રી-લિટિગેશન કેસો સહિતના વિવિધ કેસોની સુનાવણી હાથ ધરાઈ હતી. લોક અદાલતમાં માનનીય પેનલ જજ જયદેવ ઘુલે તથા માનનીય પેનલ જજ ઍ. આર. વ્યવહારે પેનલ જજ તરીકે કાર્ય કરી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. લોક અદાલત સમક્ષ કુલ ૧૦૩૯ કેસો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી ૪૩ કેસોનો સફળ નિકાલ કરવામાં આવ્યો હતો. આ કેસોમાં કુલ રૂપિયા ૧,૨૯,૯૬,૮૮૩ના સેટલમેન્ટ થયા હોવાનું જાણવા મળ્યું છે. લોક અદાલત દ્વારા લોકોને ઝડપી, સરળ અને સુલભ ન્યાય મળતા પક્ષકારોઍ સંતોષ વ્યક્ત કર્યો હતો.
