કલસર હાઈવે પર બે બાઈક અકસ્માતમાં બંન્ને ચાલકોનું મોત
- byDamanganga Times
- 11 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૦ ઃ પારડી તાલુકાના કલસરગામમાં કોસ્ટેલ હાઈવે પર દમણથી વલસાડ જતા રોડ ઉપર કેટીઍમ બાઈક ચાલકે પૂર ઝડપે હંકારી લાવી સીડી ડીલક્સ બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને બાઈક ચાલકોના મોત નીપજ્યા હતા. જ્યારે પાછળ બેસેલ બંનેને ઇજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પારડી તાલુકાના કલસર કોસ્ટેલ હાઈવે પર કેટીઍમ બાઈક નંબર જી.જે.-૧૫ ડી.ઍન.-૭૬૮૫ નો ચાલક હર્ષિત દતુભાઈ ગાલા ઉ. ૨૬ રહે. સુરત અને તેની પાછળ બેસેલ શનિ નિલેશ હળપતિ દમણ થી વલસાડ જતા રોડ ઉપર પૂર ઝડપે હંકારી લાવી સીડી ડીલક્ષ બાઇક નંબર જી.જે.-૧૫-ઍ ઍન-૨૧૭૦ પર સવાર કુંદન ઈશ્વરભાઈ માંગેલા તથા તેની પાછળ બેસેલ દિપેશ વિનોદભાઈ માંગેલાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા આસપાસના લોકો દોડી આવી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પારડી કુરેશી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં કુંદન માંગેલા ઉંમર ૨૬ રહે. ઉમરસાડી, માંગેલવાડ તા.પારડીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેમજ કેટીઍમ ચાલક હર્ષિત ગાલા રહે. સુરત ઉં. ૨૬ને પણ સારવાર દરમિયાન ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. જ્યારે સીડી ડીલક્ષ બાઈક ઉપર પાછળ બેસેલ દીપેશ માંગેલા ની સારવાર ચાલી રહી છે. તેમજ કેટીઍમ બાઈક પાછળ બેસેલ સની હળપતિને વલસાડ કસ્તુરબા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના અંગે પારડી પોલીસ મથકે મૃતક કુંદનના પિતા ઈશ્વરભાઈ માંગેલાઍ કેટીઍમ ચાલક હર્ષિત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
