પારડીમાં તબીબની કારને આંતરી હિંસક હુમલાની ફરિયાદ
- byDamanganga Times
- 11 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૦ ઃ પારડીમાં ડૉક્ટર પર હિંસક હુમલો કરી કાર અટકાવી કેટલાક ઈસમોઍ મારામારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પારડી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
પારડી તાલુકામાં ઍક ડૉક્ટર પર થયેલા હિંસક હુમલાની ઘટના બની હતીે. ભીલાડ વિસ્તારમાં રહેતા અને પારડીની મહેતા હોસ્પિટલ તેમજ હેલ્થ ઍન્ડ ચેરિટેબલ ટ્રસ્ટમાં ડૉક્ટર તરીકે ફરજ બજાવતા મિલનભાઈ ઘીરૂભાઈ ધોરિયા પટેલે પારડી પોલીસ મથકે આ મામલે વિગતવાર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ડૉક્ટર પોતાના પરિવાર સાથે પારડીમાં રહે છે તેમની પત્ની શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે અને દીકરી મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરી રહી છે. તા. ૦૮/૦૫/૨૦૨૬ ની રાત્રે તેઓ પોતાની પત્નીને લેવા માટે તેમની કાર નં. જીજે-૧૫-સીપી-૨૦૦૬ લઈને ભીલાડ તરફ ગયા હતા. પત્નીને લેવા બાદ બંને પારડી તરફ ઘરે પરત ફરી રહ્ના હતા રાત્રિના સમયે પારડી ચાર રસ્તા નજીક સર્વિસ રોડ પર પહોંચતા ઍક કાળા રંગની ફોર વ્હીલર કાર તેમની કારની સામે આવી હતી.
કારચાલક બેદરકારીપૂર્વક વાહન ચલાવી ટ્રાફિક જામ સર્જી રહ્ના હતો. ડૉક્ટરે પોતાની કાર સાઈડમાં લેવાનો પ્રયાસ કર્યો છતાં સામેની કાર વારંવાર અવરોધ ઉભો કરી રહી હતી થોડીવાર બાદ કાર નં. જીજે-૦૫-આરવાય-૯૬૭૯ માંથી કેટલાક શખ્સો ઉતરી આવ્યા હતા ફરિયાદમાં જણાવાયું છે કે આરોપીઓઍ ડૉક્ટરને ગાળો આપી કારમાંથી નીચે ઉતરવા કહ્નાં હતું. ડૉક્ટર બહાર આવતા જ ઍક શખ્સે તેમને ધક્કો મારી દીધો હતો અને ત્યારબાદ અન્ય શખ્સોઍ મળીને મારામારી શરૂ કરી હતી.
હુમલાખોરોઍ ડૉક્ટરને આંખ, ચહેરા અને શરીરના અન્ય ભાગોમાં મુક્કા તથા લાતો મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. ડૉક્ટરે વચ્ચે બચાવ કરવાનો પ્રયાસ કર્યો છતાં આરોપીઓ વધુ ઉગ્ર બન્યા હતા. હુમલા દરમિયાન જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખાયું છે ઘટના દરમિયાન ડૉક્ટરની પત્ની કારમાં હાજર હતી અને તેમણે બુમાબુમ કરતાં આસપાસના લોકો ઍકત્ર થયા હતા. લોકો ભેગા થતા આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા ડૉક્ટરે પહેલા સારવાર લીધી અને ત્યારબાદ બીજા દિવસે પારડી પોલીસ સ્ટેશન ખાતે લેખિત ફરિયાદ નોંધાવી હતી.
