આવધા પ્રા.શાળાની આચાર્યાને માનસિક ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ સાથે રજૂઆત
- byDamanganga Times
- 09 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૦૮ ઃ ધરમપુર તાલુકાની આવધા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આચાર્યા પાયલ ભરતભાઈ પટેલને છેલ્લા બે વર્ષથી માનસિક ત્રાસ અને વહીવટી હેરાનગતિ કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ તેમના પતિ તથા બાળરોગ નિષ્ણાંત ડો. રિતેશ ઍફ. પટેલે કર્યો છે. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરી નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે પાયલ પટેલ વર્ષ ૨૦૧૨થી શાળામાં આચાર્ય તરીકે સેવા આપી રહ્ના છે અને શાળાના વિકાસ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. જોકે વર્ષ ૨૦૨૪ પછી શાળામાં અંધશ્રદ્ધા ફેલાવતું કૃત્ય, અગત્યના રજીસ્ટર ગુમ થવા જેવી ઘટનાઓ બની રહી છે.
વધુમાં ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ શાળાને દાનમાં મળેલી જમીન શાળાના નામે કરવાની કાર્યવાહી દરમિયાન કેટલાક લોકો દ્વારા શાળામાં આવી ધાકધમકી અને ગેરવર્તન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. જ્યારે ૨૯ ઍપ્રિલ ૨૦૨૬ના રોજ ઍક ઉપશિક્ષક દ્વારા થયેલી ઉગ્ર બોલાચાલીને કારણે પાયલ પટેલની તબિયત બગડતા તેમને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી.
ડો. રિતેશ પટેલે રજૂઆતમાં જણાવ્યું છે કે અનેક ગંભીર રજૂઆતો છતાં શિક્ષણ વિભાગ દ્વારા સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે તેમની પત્નીને સતત માનસિક ત્રાસ સહન કરવો પડી રહ્ના હોવાની કરેલ લેખિત રજૂઆત અનુસાર માહિતી પ્રા થવા પામી છે.
