વલસાડ જિ.ની ૧૦૦ જેટલી ઍસ.ટી. બસો વડાપ્રધાનનાં કાર્યક્રમ માટે ફાળવાશે
- byDamanganga Times
- 09 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૮ ઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૧૧ મેના રોજ વડોદરા ખાતે યોજાનારા ઍક જાહેર કાર્યક્રમમાં હાજરી આપવા આવનાર હોવાથી વલસાડ ઍસટી ડિવિઝનમાંથી૧૦૦ જેટલી બસ મોકલવામાં આવનાર હોય મુસાફરોમાં ચિંતા જોવા મળી રહી છે, ખાસ કરીને ધરમપુર, કપરાડા તાલુકાના મુસાફરો ઉપર તેની સીધી અસર જોવા મળશે.
મળતી માહિતી મુજબ વડાપ્રધાનના આ કાર્યક્રમાં રાજ્યભરમાંથી અંદાજે ૬૦૦ જેટલી ઍસ.ટી. બસો કાર્યક્રમ માટે તૈનાત કરવામાં આવશે. તેમાં વલસાડ જિલ્લાની વિવિધ ડેપોની બસોનો સમાવેશ થવાનો છે. ખાસ કરીને વાપી ઍસ.ટી. ડેપોમાંથી ૨૦ જેટલી બસ ઉપરાંત વલસાડ, નવસારી, બીલીમોરા ડેપોની ૨૦-૨૦ બસ તેમજ ધરમપુર ડેપોની ૧૦ બસો વડોદરા મોકલવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. જેના કારણે દૈનિક મુસાફરી કરતી જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.સામાન્ય રીતે ઍક ઍસ.ટી. બસ દિવસ દરમિયાન સરેરાશ પાંચ જેટલી ટ્રિપો કરતી હોય છે. તે મુજબ માત્ર વાપી ડેપોની ૨૦ બસો જતી રહે તો બે દિવસ દરમિયાન અંદાજે ૧૦૦થી વધુ ટ્રિપો ઉપર સીધી અસર પડી શકે છે. ખાસ કરીને નોકરી-ધંધા, શિક્ષણ તથા વેપાર માટે ઍસ.ટી. સેવા ઉપર આધારિત મુસાફરો માટે આ પરિસ્થિતિ મુશ્કેલીજનક બની શકે છે.
મુસાફરોમાં આ નિર્ણયને લઈને ભારે ચર્ચાઓ ચાલી રહી છે. ઙ્કઍક તરફ ઉનાળાની ગરમીમાં મુસાફરો બસ માટે કલાકો સુધી રાહ જુઍ અને બીજી તરફ જાહેર કાર્યક્રમો માટે બસો ખેંચાઈ જાય, તેવી પ્રતિક્રિયાઓ પણ સાંભળવા મળી રહી છે.
અનેક રૂટ ઉપર બસોની અછત સર્જાતા મુસાફરોને ખાનગી વાહનો અથવા મોંઘી મુસાફરીનો સહારો લેવો પડે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
