મહારાષ્ટ્રમાં બર્ડ ફલૂના કહેરથી વલસાડ જિલ્લાની બોર્ડર સીલ કરાઈ
- byDamanganga Times
- 08 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૭ ઃ મહારાષ્ટ્રના નંદુરબાર સહિતના સરહદી વિસ્તારોમાં બર્ડ ફલૂના વાયરસને કારણે પોલ્ટ્રી ફાર્મમાં મોટી સંખ્યામાં મરઘાંના ટપોટપ મોત થતા ફફડાટ વ્યાપી ગયો છે. આ ગંભીર પરિસ્થિતિને જોતા ગુજરાત સરકાર હરકતમાં આવી છે અને સંક્રમણને અટકાવવા માટે ગુજરાત-મહારાષ્ટ્ર સરહદને સીલ કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્રમાંથી આવતા મરઘાં અને પોલ્ટ્રી ઉત્પાદનોના પરિવહન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વલસાડ જિલ્લાની તમામ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેથી કરીને અન્ય રાજ્યમાંથી વાયરસ ગુજરાતમાં પ્રવેશી ન શકે.
વલસાડ જિલ્લો પોલ્ટ્રી ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર હોવાથી અહીં સેંકડો ફાર્મ આવેલા છે. મહારાષ્ટ્રના સમાચાર બાદ સ્થાનિક ફાર્મ સંચાલકોમાં ચિંતા જોવા મળી રહી છે. સંભવિત ખતરાને પહોંચી વળવા માટે ફાર્મના માલિકો દ્વારા મરઘાંઘરોની સાફ-સફાઈ અને સેનિટાઈઝેશનની કામગીરી તેજ કરવામાં આવી છે. બહારની વ્યક્તિઓના પ્રવેશ પર રોક લગાવાઈ છે અને શૂઝ-વ્હીકલ ડિસઇન્ફેક્શન ફરજિયાત કરાયું છે. મરઘાંના ખોરાક અને પાણીની ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્નાં છે. જો કોઈ મરઘામાં અસામાન્ય લક્ષણો દેખાય તો તુરંત પશુપાલન વિભાગને જાણ કરવા સૂચના અપાઈ છે. જિલ્લાના તમામ પોલ્ટ્રી ફાર્મ સંચાલકોને સાવચેત રહેવા અને નિયમોનું પાલન કરવા જણાવાયું છે. હાલ ગભરાવાની જરૂર નથી, પરંતુ સતર્કતા ઍ જ શ્રેષ્ઠ ઉપાય છે. આ ઘટનાને પગલે બજારમાં પણ ઈંડા અને ચિકનના વેચાણ પર અસર થવાની સંભાવના સેવાઈ રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને માંસ-ઈંડા પૂરેપૂરા રાંધીને જ ખાવાની સલાહ આપવામાં આવી છે.
