વલસાડ જી.પં. પ્રમુખનું નામ નક્કી થઈ ગયાની ચર્ચા
- byDamanganga Times
- 08 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૭ ઃ વલસાડ જિલ્લા પંચાયતનીયોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ૩૬ પૈકી ૩૪ બેઠકો મેળવનાર ભારતીય જનતા પાર્ટીના ઓબીસી મહિલા ઉમેદવાર પ્રમુખ તરીકે બિરાજમાન થશે જે અંગે ગાંધીનગરમાં પ્રદેશ કમિટીમાં સેન્સ પ્રક્રિયા દરમિયાન વલસાડ કોસંબા અને ઉમરગામના ખતલવાડા બેઠકના ઉમેદવારના નામની ચર્ચા સાથે પસંદગીની મહોર મરાશે. ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગત ૨૬મીના રોજ યોજાઇ હતી અને ૨૮મી ના રોજ થયેલી મત ગણતરી માં સમગ્ર રાજ્યમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો જેમાં વલસાડ જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો પૈકી ૩૪ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારનો વિજય થયો છે. જ્યારે ઍક કોંગ્રેસ અને ઍક અપક્ષ સભ્યોનો વિજય થયો છે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ઓબીસી મહિલા ઉમેદવાર માટે અનામત જાહેર કરાયું હતું આ અંગે ભારતીય જનતા પાર્ટીમાંથી વલસાડ કોસંબા બેઠક ઉપરથી બિનહરીફ ચૂંટાયેલા હેતલબેન જીગ્નેશભાઈ પટેલ અને ઉમરગામના ખતલવાડા બેઠક ઉપરથી વિજેતા બનેલા ભાવિનીબેન દિનેશભાઈ માછી ની દાવેદારી થઈ હોવાનું જાણવા મળ્યું છે જે અંગે છેલ્લા બે દિવસથી ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ પાર્લામેન્ટી બોર્ડની બેઠક દરમિયાન વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ માટે આ બે સભ્યોમાંથી ઍકની નિમણૂક કરવામાં આવશે જેમાં કોસંબા બેઠક ઉપરથી બિન હરીફ વિજેતા બનેલી હેતલબેન જીગ્નેશભાઈ પટેલ શિક્ષિત અને રાજકીય રીતે માહિતગાર હોવાને લઈ તેમની ઉપર પ્રદેશ મોવડી મંડળ દ્વારા પસંદગી કરવામાં આવશે તેવી ચર્ચાઓ થઈ રહી છે જોકે આ બેઠક દરમિયાન જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ અને શાસક પક્ષના નેતા ના નામ અંગે પણ ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે.
