ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસની ઉજવણી થશે
- byDamanganga Times
- 08 May, 2026
જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર (રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ – સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર) ખાતે આગામી તા. ૧૧ મે ૨૦૨૬ ના રોજ ‘નેશનલ ટેક્નોલોજી દિવસ’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ૧૧ મે, ૧૯૯૮ ના રોજ રાજસ્થાનના પોખરણમાં કરવામાં આવેલા સફળ પરમાણુ પરીક્ષણોની યાદમાં ઉજવાતો આ દિવસ ભારતની વૈજ્ઞાનિક ક્ષમતા અને આત્મનિર્ભરતાનું પ્રતીક છે, જેના દ્વારા ભારત વિશ્વમાં પરમાણુ શક્તિ ધરાવતો છઠ્ઠો દેશ બન્યો હતો. આ ઐતિહાસિક સિદ્ધિને બિરદાવવા માટે કેન્દ્ર દ્વારા સવારે ૧૧ઃ૦૦ કલાકે ૅસ્વદેશી ટેકનોલોજી દ્વારા ભારતનો કાયાકલ્પૅ (ર્વ્શ્વીઁસ્ન્શ્ંશ્વૃજ્ઞ્િઁં ત્ઁફુર્જ્ઞ્ી વ્ત્ર્શ્વં્યત્રિં્ ત્ઁફુજ્ઞ્ફિંઁં્યસ્ન્ વ્ફૂણૂત્ર્ઁંશ્રંક્કિં) વિષય પર વલસાડની સરકારી ઇજનેરી કોલેજના વક્તા ડો. ભદ્રેશ સુદાણી દ્વારા લોકપ્રિય વિજ્ઞાન વ્યાખ્યાન આપવામાં આવશે. આ મુખ્ય વ્યાખ્યાન બાદ મુલાકાતીઓ માટે ‘ફન ઍટ લો ટેમ્પરેચર’ લિક્વિડ નાઇટ્રોજન શો અને વોટર રોકેટના રોમાંચક પ્રયોગોનું નિદર્શન કરવામાં આવશે, જ્યારે રાત્રિના સમયે આધુનિક ટેલિસ્કોપ દ્વારા ગુરુ અને શુક્ર ગ્રહોનું આકાશ દર્શન કરાવવામાં આવશે. આ ઉપરાંત, તા. ૧૧ થી ૧૩ મે ૨૦૨૬ દરમિયાન જશોદા નરોત્તમ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ, ધરમપુરના શિક્ષકો માટે ત્રણ દિવસીય ‘શિક્ષક તાલીમ કાર્યક્રમ’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યશાળામાં ધોરણ ૬ થી ૮ ના વિજ્ઞાન વિષયની અધ્યયન નિષ્પત્તિ આધારિત વિવિધ હેન્ડ્સ-ઓન પ્રવૃત્તિઓ અને શિક્ષણમાં પ્રાયોગિક અભિગમ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. કાર્યક્રમનો મુખ્ય હેતુ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતામાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવો તથા વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. પ્રજ્ઞેશ રાઠોડ, જિલ્લા વિજ્ઞાન અધિકારી, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર દ્વારા તમામ જિજ્ઞાસુ મુલાકાતીઓને આ કાર્યક્રમ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનો લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
