નાનાપોઢાના ૭ ગામોમાં વિકાસ કામો નહીં થતાં લોકોમાં જનઆક્રોશ
- byDamanganga Times
- 07 May, 2026
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
ચીવલ, તા. ૦૬ ઃ કોન્ટ્રાક્ટરની મનમાની સામે ૭ ગામોમાં ઉઠ્યા સવાલો નવનિર્મિત નાનાપોઢા તાલુકામાં વિકાસને ગતિ આપવા માટે હાથ ધરાયેલા વિવિધ કામોને લઈને પારડી તાલુકાના સમાવિષ્ટ છેવાડાના ગામોમાં ગ્રામજનોમાં ભારે અસંતોષ ફેલાયો છે. ચીવલ, અરનાલા, પાટી, ડેહેલી, ધગડમાલ, નેવરી અને લખમાપોર સહિત કુલ ૭ ગામોમાં રોડ, નાળા અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓ માટે ચાલી રહેલા કામોમાં કોન્ટ્રાક્ટરની મનમાની અને હલકી કક્ષાના સામાનના ઉપયોગ અંગે ગંભીર આક્ષેપો ઉઠ્યા છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ તાજેતરમાં બનેલા રસ્તાઓમાં ગુણવત્તાનો અભાવ સ્પષ્ટ જોવા મળે છે. થોડા જ સમયમાં રસ્તાઓ બગડી રહ્ના છે અને કેટલાક સ્થળોઍ ખાડાઓ પણ પડી ગયા છે. નાળાઓનું બાંધકામ પણ નબળું અને અધૂરું હોવાનું સામે આવ્યું છે. કેટલીક જગ્યાઍ તો કામ પૂરું થાય તે પહેલાં જ તૂટફૂટ શરૂ થઈ જતાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
સ્થાનિક રહેવાસી પિયુશભાઈ પટેલે જણાવ્યું કે સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરીને વિકાસ કામો કરે છે, છતાં જમીન પર તેનો કોઈ વાસ્તવિક લાભ મળતો નથી. ઙ્કકાગળ પર વિકાસ અને હકીકતમાં બેદરકારીઙ્ખ જેવી સ્થિતિ ઉભી થઈ છે. ખાસ કરીને વરસાદી મોસમ નજીક હોવાને કારણે નબળી ગુણવત્તાના કામો ગામજનો માટે જોખમરૂપ બની શકે છે.
ગ્રામજનો દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર તપાસ કરવા અને દોષિત કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સાથે સાથે કામોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે ટેકનિકલ ચકાસણી અને સતત દેખરેખ વધારવાની પણ માંગ ઉઠી છે.જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવાય તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે. વિકાસના નામે થતી ગેરરીતિઓ સામે હવે ગ્રામજનો સજાગ બન્યા છે, જે પ્રશાસન માટે ચેતવણીરૂપ છે.નાનાપોઢા તાલુકા વિકાસ અધિકારી ને પણ જાણ કરવામાં આવી છે. તાલુકા વિકાસ અધિકારી નાનાપોઢા પ્રિતેશભાઈ બારીયા દ્વારા કોન્ટ્રાક્ટર સપર્ક કરતા ફોન સ્વીચ ઓફ હોવાનું જણાવ્યું હતુ. યોગ્ય તપાસ હાથ ધરવામાં આવશે જણાવ્યું છે.
