વાપી મનપાના ૭૫૪ કરોડના બજેટ સામે ભાજપના ૩૭માંથી ૩૨ સભ્ય બિનઅનુભવી
- byDamanganga Times
- 07 May, 2026
વાપી મહાનગરપાલિકાની તાજેતરની ચૂંટણી બાદ શહેરના નવા ચૂંટાયેલા ૫૨ (બાવન) નગરસેવકો પાસે લોકોને અનેક આશા અપેક્ષા છે. લગભગ ૭૫૪ કરોડ રૂપિયાના વિશાળ બજેટ ધરાવતી આ મહાનગરપાલિકામાં હવે સત્તા ભાજપના હાથમાં ગઈ છે. જેમાં ભાજપના કુલ ૩૭ ઉમેદવારો વિજયી થયા છે. જ્યારે કોંગ્રેસના ૧૧ અને ૪ અપક્ષ ઉમેદવારો ચૂંટાયા છે. આ ચૂંટણીમાં ભાજપના ચૂંટાયેલા કુલ ૩૭માંથી ૫ જ સભ્યો અનુભવી ગણાય છે. જ્યારે બાકીના ૩૨ સભ્યો રાજકીય રીતે નવા નિશાળિયા છે. આ સ્થિતિને કારણે મહાનગરપાલિકાના વહીવટ અંગે અનેક ચર્ચા ઉભી થઈ રહી છે. ભાજપના અનુભવી સભ્યોમાં મિતેષ નવનીતરાય દેસાઈ (વોર્ડ નં. ૯)નો સમાવેશ થાય છે. જેઓ અગાઉ કારોબારી સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે અને વહીવટી અનુભવ ધરાવે છે. ઉપરાંત, કૌશિક પટેલ (વોર્ડ નં. ૨), દેવલબેન દીપકભાઈ દેસાઈ (વોર્ડ નં.૫) અને જયેશ કંસારા (વોર્ડ નં.૭), માજી સભ્ય મનીષાબેન દાયમા, નેહલબેન નાયક પણ અનુભવી ચહેરા તરીકે ઓળખાય છે. તો હાલના વીઆઈઍ પ્રમુખ, નોટીફાઈડના માજી ચેરમેન તથા વાપી શહેર ભાજપના પ્રમુખ રહી ચુકેલા વાપી મનપામાં વોર્ડ નં.૫માંથી કોર્પોરેટર તરીકે પ્રથમવાર ચૂંટાયેલા સતીષભાઈ પટેલ પણ વહીવટ અને સંગઠનનો બહોળો અનુભવ ધરાવે છે. તો ભીલાડવાળા બેîકના ડિરેક્ટર અને પ્રથમવાર ડુંગારાથી ચુટાયલા દર્પણ દેસાઈ અનુભવી છે. જયારે ટીનાબેન હળપતિ કે, જેઓ અગાઉ નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે. તેઓ ફરી વોર્ડ નં.૯માંથી ચૂંટાઈ આવ્યા છે. તેમની કાર્યશૈલી દરમિયાન તેઓ માત્ર નામ પૂરતા પ્રમુખ હતાં. બાકી ઉપપ્રમુખની ભૂમિકા ઘણીવાર બેકસીટ ડ્રાઈવિંગ તરીકે રહી હતી. વિરોધ પક્ષમાં પીરુભાઈ મકરાણી ૬ ટર્મથી ચૂંટાઈ આવે છે. ખંડુભાઇ પટેલ પણ ભૂતકાળમાં નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા તરીકે અનુભવી છે. હવે જે નવા ચૂંટાયેલા નગરસેવકો છે તેઓને સામાન્ય સભાના ઍજન્ડા શું, ઠરાવ શું વિગેરે બાબતે કોઈ સમજણ નથી. જેથી તેઓ તૈયારી કરવી પડશે. વાપીની પ્રજાને ઍવી અપેક્ષા છે કે તેઓ પોતાના વિસ્તારના પ્રશ્નો સમજે, યોગ્ય આયોજન કરે અને વિકાસને ગતિ આપે. પરંતુ જો પ્રતિનિધિઓ પાસે મૂળભૂત સમજણનો અભાવ હશે તો આ આશાઓ અધૂરી રહેવાની શક્યતા વધારે છે. જોકે સંતોષકારક બાબત ઍ પણ છે કે ભાજપની આ ચૂંટાયેલ સભ્યોમાં બહુધા મહિલા સભ્યો શિક્ષિત છે.
હવે મુખ્ય પ્રશ્ન ઍ છે કે આટલા મોટા બજેટ અને ઝડપી વિકાસ પામતા શહેરનું સંચાલન નવા કોર્પોરેટરો કેવી રીતે સંભાળશે. શહેરમાં પાણી, ગટર, રોડ, ટ્રાફિક અને શહેરી આયોજન જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર યોગ્ય નિર્ણયો લેવાની જરૂર છે. અનુભવનો અભાવ ક્યારેક નીતિ નિર્માણમાં અવરોધ ઉભો કરી શકે છે, જેના કારણે વહીવટી ગતિ ધીમી પડવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ જેવા પીઠ નેતા કે જે પારડી તાલુકાના ધારાસભ્ય પણ છે અને વાપી તેમની કર્મભૂમિ હોવા સાથે તેઓઍ રાજ્યસભા, લોકસભા તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હંમેશા ભાજપને સત્તા પર બેસાડવા માટે કિંગ મેકરની ભૂમિકા ભજવી હોવાથી તેમના માર્ગદર્શન હેઠળ વાપીના વિકાસની ગતિ હવે તેજ ગતિઍ આગળ ધપશે તેવી આશા રાખવી અસ્થાને નથી.
બીજી તરફ, નવા કોર્પોરેટરો માટે આ ઍક સારો અવસર પણ બની શકે છે. જો તેઓ યોગ્ય માર્ગદર્શન હેઠળ કાર્ય કરે અને અનુભવી નેતાઓનો સહકાર મેળવે, તો શહેરના વિકાસને નવી દિશા આપી શકે છે. ભાજપ માટે પણ આ ઍક મોટી જવાબદારી છે કે તેઓ નવા સભ્યોને તાલીમ અને માર્ગદર્શન આપીને અસરકારક શાસન પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરે. આ સાથે જયારે પણ સામાન્ય સભા યોજાય ત્યારે શહેરના હિતમાં કોઈ પણ વિકાસ કર્યો કે ઍજન્ડાને બહાલી અપાતા પહેલા તંદુરસ્ત ચર્ચા થવી જરૂરી છે, વિરોધ પક્ષે પણ આ બાબતે સજાગતા દાખવવી પડશે.
