Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

ગણદેવા ઍક્સપ્રેસ હાઇવે ટોલ ઉપર ટ્રક ફરી વળતા કેબીનનો કચ્ચરઘાણ

ગણદેવા ઍક્સપ્રેસ હાઇવે ટોલ ઉપર ટ્રક ફરી વળતા કેબીનનો કચ્ચરઘાણ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ગણદેવી, તા.૫  ઃ ગણદેવી નાં ગણદેવા ઍક્સપ્રેસ હાઇવે નં.૪ નાં ટોલ ઉપર મંગળવાર સવારે ટ્રક ફરી વળતા કેબીનનો કચ્ચરઘાણ થતા રૂ. ૩ લાખ થી વધુની નુકશાની થઈ હતી. જોકે ટોલ કેબીન માં કામ કરતી યુવતિ નો આબાદ બચાવ થયો હતો. જ્યારે ટ્રક ચાલક ને સારવાર માટે લઈ જવાયો હતો. પોલીસ માં મંગળવાર મોડી સાંજ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. વડોદરા થી મુંબઈ ઍક્સપ્રેસ હાઇવે નં.૪ ગણદેવી નાં ગણદેવા ગામ સુધી કાર્યરત છે. દરમ્યાન મંગળવાર સવારે ૧૦ઃ૩૦ કલાકે સુરત તરફ થી અશોક લેલેન્ડ ટ્રક નં. ઍચ આર ૬૧ ઈ ૮૪૬૮ આવી રહી હતી. જે ટોલ નાકા ની ૬ઠ્ઠી લેન માં હતી. ચાલક ઍ ટોલ ઉપર ઉભા રહેવા બ્રેક મારવાનો પ્રયાસ કર્યો હતો. દરમ્યાન બ્રેક ફેલ થતા ટ્રક પુરપાટ ઝડપે ટોલની બાજુમાં દોઢેક ફૂટ ઊંચાઈ સ્થિત કેબીનને ટકકર મારી હતી. કેબીનમાં કામ કરતી યુવતી ની સતર્કતાને પગલે તેનો આબાદ બચાવ થયો હતો. બીજી તરફ કેબીન અને ટોલ ને રૂ. ૩ લાખ થી વધુનું નુકશાન થયું હતું. લોકો મદદે આવ્યા હતા અને ઘાયલ ટ્રક ચાલકને સારવાર માટે લઈ જવાયો હતો. અકસ્માત નાં વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી હતી. ગણદેવી નાં ગણદેવા ગામે કાર્યરત ખારેલ આઉટ પોસ્ટ પોલીસ ચોકી ઉપર મોડી સાંજ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી. જોકે ઘટના ની જાણ થતાં પોલીસ ઍ તપાસ હાથ ધરી હતી. અને અકસ્માત ગ્રસ્ત ટ્રક ને હટાવવા ની તજવીજ પણ હાથ ધરાઈ હતી.