વલસાડની ‘હાફૂસ’ પર યુદ્ધના વાદળો
- byDamanganga Times
- 06 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ તા ૫ ઃ વલસાડની શાન ગણાતી હાફૂસ અને કેસર કેરીના વેપાર પર આંતરરાષ્ટ્રીય તણાવની સીધી અસર જોવા મળી રહી છે. ઈરાનના પોર્ટ પર થયેલા બોમ્બ હુમલાના પગલે મુંબઈના નિકાસકારોઍ આરબ દેશોમાં કેરી મોકલવાનું બંધ કરી દેતા વલસાડના ઍક્સપોર્ટરોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ઍક તરફ વિદેશી માર્કેટ બંધ થયું છે, તો બીજી તરફ લોકલ માર્કેટમાં પણ મંદીનો માહોલ હોવાથી વેપારીઓને લાખો રૂપિયાની ખોટ જવાની ભીતિ સેવાઈ રહી છે. વલસાડ કેરી માર્કેટમાંથી દર વર્ષે મોટા પ્રમાણમાં કેરી મુંબઈ વાયા ઈરાન, ઈરાક અને અફઘાનિસ્તાન સહિતના આરબ દેશોમાં મોકલવામાં આવે છે. જોકે, તાજેતરમાં ઈરાનના પોર્ટ પર થયેલા હુમલા બાદ સુરક્ષાના કારણોસર મુંબઈના મોટા વેપારીઓઍ આજથી ઍક્સપોર્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. શિપિંગ લાઇન ખોરવાતા વલસાડથી રવાના થવા માટે તૈયાર કેરીનો જથ્થો હવે અટવાઈ પડ્યો છે. વિદેશમાં અશાંતિ અને લોકલમાં મંડી વલસાડના કેરી વેપારીઓ અત્યારે બેવડી મુશ્કેલીમાં મુકાયા છે. મુખ્ય વિદેશી બજારોમાં સપ્લાય ચેઈન તૂટી જવાથી પ્રીમિયમ ક્વોલિટીની કેરીના ઓર્ડર રદ થઈ રહ્ના છે. લોકલ માર્કેટમાં પણ હાલ જોઈઍ તેવી ઘરાકી ન હોવાથી કેરીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્ના છે. નિકાસ સાથે સંકળાયેલા સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર, જો આ પરિસ્થિતિ લાંબો સમય ચાલશે તો કેરીના પાકને સાચવવો મુશ્કેલ બનશે. તૈયાર માલનો નિકાલ ન થતા અને સ્થાનિક સ્તરે નીચા ભાવ મળતા મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સીઝનના પીક સમયે જ સર્જાયેલી આ વૈશ્વિક કટોકટીઍ વલસાડના કૃષિ અર્થતંત્ર સામે મોટા પ્રશ્નાર્થો ઉભા કર્યા છે.
