ડાંગમાં ભાજપ દ્વારા જી.પં. અને ત્રણેય તા.પં.નાં પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે સેન્સ લેવાયા
- byDamanganga Times
- 06 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા. ૦૪ ઃ ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્તાના સૂત્રો કોણ સંભાળશે તેને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ડાંગ જિલ્લા પંચાયત તેમજ આહવા, વઘઈ અને સુબિર તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાના ભાગરૂપે સેન્સ લેવાની કાર્યવાહી આજે આહવા ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. ડાંગ જિલ્લાના રાજકીય સમીકરણો પર નજર કરીઍ તો, જિલ્લા પંચાયતની કુલ ૧૮ બેઠકોમાંથી ૧૨ બેઠકો પર જીત મેળવી ભાજપે સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે. તાલુકા પંચાયતોમાં પણ રસાકસી જોવા મળી છે, જેમાં સુબિર તાલુકા પંચાયતમાં કુલ ૧૬ બેઠકોમાંથી ૧૨ બેઠકો સાથે ભાજપ મજબૂત સ્થિતિમાં છે. વઘઈ તાલુકા પંચાયતમાં ૧૬ બેઠકોમાંથી ભાજપ અને કોંગ્રેસ બંનેને ૮-૮ બેઠકો મળતા અહીં ટક્કર સમાન રહી છે અને આહવા તાલુકા પંચાયતમાં અહીં કોંગ્રેસે બાજી મારી છે, જ્યાં ૧૬ બેઠકોમાંથી કોંગ્રેસને ૯ અને ભાજપને ૭ બેઠકો પ્રા થઈ છે. ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા આ પ્રક્રિયા માટે ત્રણ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, આણંદના પૂર્વ મહામંત્રી સુભાષભાઈ બારોટ અને દાહોદના પૂર્વ જિલ્લા મહામંત્રી નરેન્દ્રભાઈ સોનીઍ આહવા ખાતે ઉપસ્થિત રહીને તમામ ચૂંટાયેલા સભ્યો અને દાવેદારો સાથે વ્યક્તિગત ચર્ચા કરી હતી. નિરીક્ષકોઍ પદાધિકારીઓની પસંદગી માટે કાર્યકરો અને સભ્યોની અપેક્ષાઓ જાણી હતી.આ સેન્સ પ્રક્રિયા દરમિયાન ડાંગના ધારાસભ્ય વિજય પટેલ, જિલ્લા ભાજપા પ્રમુખ કિશોરભાઈ ગાવીત, સંગઠન પ્રભારી રાજેશભાઈ દેસાઈ સહિત સંગઠનના હોદ્દેદારો અને જિલ્લા-તાલુકા પંચાયતના તમામ ચૂંટાયેલા સદસ્યો હાજર રહ્ના હતાં. હવે જ્યારે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે, ત્યારે ભાજપ હાઈકમાન્ડ આગામી દિવસોમાં કોના નામ પર પસંદગીની મહોર મારે છે અને કોને મેન્ડેટ આપી પ્રમુખ-ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપે છે, તેના પર સૌની નજર ટકેલી છે. ખાસ કરીને વઘઈમાં સત્તાના સમીકરણો અને અન્ય સ્થાનો પર નેતૃત્વની પસંદગીને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સુકતા પ્રવર્તી રહી છે.
