કપરાડામાં આયુર્વેદ આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરાયું
- byDamanganga Times
- 04 May, 2026
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
ચીવલ, તા.૦૩ ઃ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કપરાડા ખાતે નવનિર્મિત આયુર્વેદ આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ પૂર્વ મંત્રી અને કપરાડા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ ઍચ. ચૌધરીના વરદહસ્તે વિધિવત્ સંપન્ન થયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો, આગેવાનો અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્ના હતાં. આ પ્રસંગે જીતુભાઈ ચૌધરીઍ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ડોક્ટર ભગવાનનું બીજું સ્વરૂપ છે, પરંતુ દર્દી પ્રત્યેનો સારો સ્વભાવ અને સેવાભાવ સારવારમાં અગત્યની ભૂમિકા ભજવે છે. તેમણે આજના યુગમાં બગડતી જીવનશૈલી અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્નાં કે મોડી રાત્રે સુધી મોબાઇલનો ઉપયોગ, અનિયમિત આહાર અને વ્યાયામનો અભાવ અનેક રોગોને આમંત્રણ આપે છે.
સ્વસ્થ જીવન માટે સમયસર ઊંઘ, સંતુલિત આહાર અને નિયમિત વ્યાયામને અનિવાર્ય ગણાવ્યા હતાં. તેમણે વધુમાં જણાવ્યું કે સરકાર આરોગ્ય ક્ષેત્રે વિશાળ બજેટ ફાળવી રહી છે અને આયુર્વેદિક સારવારને ખાસ પ્રોત્સાહન આપવામાં આવી રહ્નાં છે. પરંપરાગત આહાર જેમ કે નાગલી, વરઈ અને દેશી દાળ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ બને છે. આયુર્વેદિક ઉપચાર ધીમો હોવા છતાં લાંબા ગાળે અસરકારક સાબિત થાય છે.
આરોગ્ય અધિકારી ડૉ. ઉર્વીબેન પટેલે આયુર્વેદિક દવાઓનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય દક્ષાબેન ગાયકવાડ, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચ તથા ડૉ. મનહર ચૌધરી, ડૉ. ધર્મિસ્તા પટેલ, ડૉ. શ્રુજલ, ડૉ. હેમિલ, ડૉ. ભાવિન, ડૉ. તેજસ, ડૉ. અર્ચના, ડૉ. દિવ્યા સહિત આરોગ્ય વિભાગના ડોક્ટરો અને કર્મચારીઓ હાજર રહ્ના હતાં.
નવું આરોગ્ય મંદિર ગ્રામજનોને નજીકમાં ગુણવત્તાયુક્ત આયુર્વેદિક સારવાર પૂરી પાડશે અને સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રેરણા આપશે.
