વાપી નગર પંચાયત હાઈ.ના ક્લાર્કનો નિવૃત્તિ સન્માન કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 02 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૧ ઃ વાપી નગર પંચાયત ઍજ્યુકેશન હાઈસ્કૂલના સિનિયર ક્લાર્ક તેજલબેન વિનયભાઈ દેસાઈ વયમર્યાદાને કારણે સેવા નિવૃત થતાં તેનો નિવૃત્તિ વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના રજુ કરવામાં આવી હતી. મહેમાનોનું સ્વાગત નૃત્ય અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આચાર્ય સુમીતરાજ રોહિત અને શિક્ષકો પ્રીતીબેન, મુકેશભાઈ, છીબુભાઈ, આરતીબેન દ્વારા નિવૃત્તિમાન તેજલબેનના કાર્યોને બીરદાવી નિવૃત્તિની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. શાળાની ધો.૯ અને ૧૧ની બાળાઓ દ્વારા કાર્યક્રમમાં વિવિધ પ્રસંગોચિત કૃતિઓ રજુ કરવામાં આવી હતી.
શાળાના આચાર્ય અને સ્ટાફમિત્રો દ્વારા નિવૃત્તિમાન તેજલબેનને તિલક કરી, સાલ ઓઢાડી, હાર અને સાફો પહેરાવી, શ્રીફળ, પુષ્પગુચ્છ અને સન્માનપત્ર તથા સ્મૃતિ ભેટ અર્પણ કરી ઍમનું સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકો દ્વારા પણ તેજલબેનનું હાથે દોરેલા ઍમનાં સુંદર સ્ક્રેચ અર્પણ કરી યથાશક્તિ સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન પત્રનું વાંચન શાળાનાં શિક્ષક વિકાસભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાની બાળાઓ દ્વારા ભાવવિભોર કરી દે તેવું વિદાય ગીત રજુ કરવામાં આવ્યું હતું. નિવૃત્તિમાન તેજલબેન દેસાઈઍ ભાવુક બની સેવાકાળના પોતાના દિવસોને વાગોળતાં શાળા ઉતરોત્તર પ્રગતિના પંથે આગળ વધે ઍવા આશિર્વચનો પાઠવ્યા હતાં.
