Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

નારગોલ ગ્રા.પં.માં સ્વચ્છતા જાળવવા પંચાયત દ્વારા અનુરોધ કરાયો

નારગોલ ગ્રા.પં.માં સ્વચ્છતા જાળવવા પંચાયત દ્વારા અનુરોધ કરાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા.૦૧ ઃ નારગોલ ગ્રામ પંચાયત દ્વારા નારગોલમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ગ્રામજનોને લેખિત જાણ કરી છે અને જણાવ્યું છે કે નારગોલ ગામના સર્વે ગ્રામજનોને જણાવવાનું કે, હાલ ગામમાં યોજાતા લગ્ન પ્રસંગો તથા અન્ય સામાજિક પ્રસંગો દરમિયાન લગ્ન મંડપમાં પ્લાસ્ટિકના ગ્લાસ, પેપર ડિશ, કપ અને અન્ય નકામી વસ્તુઓનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. પ્રસંગ પૂર્ણ થયા બાદ આયોજક દ્વારા મંડપની જગ્યા તથા આજુબાજુના વિસ્તારની યોગ્ય સફાઈ કરવામાં આવતી નથી. પરિણામે મંડપની આસપાસ તથા ગામના જાહેર રસ્તાઓ પર કચરો ફેલાય છે, જેના કારણે ગામમાં ગંદકી સર્જાય છે અને રોગચાળો ફેલાવાની શક્યતા રહે છે. આ બાબત સ્વચ્છ નારગોલ-સુંદર નારગોલના અભિયાનથી વિપરીત છે.

આથી ગામના તમામ નાગરિકોને તથા ખાસ કરીને જેના ઘરે લગ્ન પ્રસંગ યોજાનાર હોય તેવા પરિવારોને સૂચના આપવામાં આવે છે કે લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ તુરંત જ મંડપ તથા આસપાસના વિસ્તારની સંપૂર્ણ સફાઈ કરાવવાની જવાબદારી આયોજક પરિવારની રહેશે.

સફાઈ માટે ખાનગી ઠેકેદાર/મજૂરો રોકીને પ્લાસ્ટિક, કાગળ અને અન્ય કચરો ગામની કચરાપેટીમાં અથવા નિયત કરેલ ડમ્પિંગ સાઈટ પર નિકાલ કરવો.

શક્ય હોય ત્યાં સુધી પ્લાસ્ટિક ગ્લાસને બદલે સ્ટીલના ગ્લાસ તથા પેપર ડિશને બદલે કેળના પાન કે અન્ય ઈકો-ફ્રેન્ડલી વિકલ્પનો ઉપયોગ કરવા અનુરોધ છે. જો પ્રસંગ બાદ ગંદકી જોવા મળશે તો ગ્રામ પંચાયત દ્વારા આયોજક પાસેથી સફાઈ ખર્ચ વસૂલ કરવામાં આવશે તથા દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે. ગામની સ્વચ્છતા જાળવવી ઍ આપણા સૌની સામૂહિક જવાબદારી છે. સૌના સહકારથી જ આપણે નારગોલને સ્વચ્છ અને રોગમુક્ત બનાવી શકીશું.