ચલામાં વાપી મનપાનો સ્વિમિંગ પુલ ફરી શરુ
- byDamanganga Times
- 02 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૧ ઃ વાપી મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને આરોગ્યપ્રદ, સુલભ અને રમતીયાળ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના સતત પ્રયાસોના ભાગરૂપે, ચલા ખાતે આવેલ વાપી મહાનગરપાલિકા હસ્તકનું સ્વિમિંગ પૂલ રીનોવેશન બાદ ફરીથી તારીખ ૧/૫/૨૦૨૬ ના રોજ થી જાહેર જનતા માટે કાર્યરત કરાયો. આ સ્વિમિંગ પૂલનો મુખ્ય હેતુ શહેરના નાગરિકો, યુવાનો અને બાળકોને ઓછી અને સૌને પરવડે તેવી ફી પર ઉત્તમ સ્વિમિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે.
વાપીના ચલા ખાતે આવેલ જાહેર સ્વિમિંગ પૂલની કામગીરી અને જાળવણી વાપી મહાનગરપાલિકાની દેખરેખ હેઠળ નિમણૂક કરાયેલ ઍજન્સી દ્વારા કરવામાં આવશે, જેથી નાગરિકોને સુરક્ષિત અને સ્વચ્છ સુવિધા મળી રહે.
આ સ્વિમિંગ પૂલનો લાભ સામાન્ય જનતા સહિત સ્વિમિંગ શીખવા ઇચ્છુક બાળકો તથા પ્રોફેશનલ સ્તરે પ્રેક્ટિસ કરતા સ્વિમર્સને પણ થશે. આ સુવિધા જાહેર ઉપયોગ અને સ્વિમિંગ તાલીમ બંને હેતુઓ માટે કાર્યરત છે, તેમજ જરૂરી ટ્રેનર, ઓપરેશન સ્ટાફ, સુરક્ષા અને જાળવણીની વ્યવસ્થા રાખવાની જોગવાઈઓ પણ કરવામાં આવી છે.જેથી અહીં નગરના તમામ વર્ગના નાગરિકો તેનો લાભ લઈ શકે. ફીનું ધોરણ અભ્યાસ કરતાં ૧૮ વર્ષથી નીચેનાં બાળકો માટે માસિક ફક્ત ૩૦૦/- રૂ. તથા ૧૮ વર્ષથી ઉપરનાં માટે માસિક ફક્ત ૬૦૦/-રૂ. નું ધોરણ નક્કી કરવામાં આવેલ છે. વાપી મહાનગરપાલિકા શહેરના નાગરિકો, વાલીઓ, બાળકો, યુવાનો તથા રમતગમતપ્રેમીઓને આ જાહેર સ્વિમિંગ પૂલની સુવિધાનો લાભ મળી રહેશે તેવી વ્યવસ્થા વાપી મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે.
