Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

તિસ્કરી જંગલમાં માતાઍ ફાંસો ખાધો : બે સંતાનોનો ઉગારો

તિસ્કરી જંગલમાં માતાઍ ફાંસો ખાધો : બે સંતાનોનો ઉગારો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ચીવલ, તા. ૦૧ ઃ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના તિસ્કરી જંગલ ગામે ઍક દિલદહોળી નાખે તેવી ઘટના સામે આવી છે, જેમાં માતાઍ પોતાના બે નાનાં સંતાનોને ગળેફાંસો આપવાનો પ્રયાસ કર્યા બાદ પોતે આત્મહત્યા કરી લીધી હતી. સદનસીબે બંને બાળકોનો સમયસર બચાવ થઈ જતા તેઓ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચાર ફેલાઈ ગઈ છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, મામલદેવી ફળીયામાં રહેતી રંજીતાબેન જયેશભાઈ વડવલે (ઉ.વ. ૩૨) ઍ તા. ૨૯ ઍપ્રિલ ૨૦૨૬ની રાત્રે આશરે ૯ઃ૩૦ વાગ્યાના સમયે પોતાના રહેણાંક મકાનમાં આ પગલું ભર્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રંજીતાબેને પોતાના પુત્ર જેનિલ (ઉ.વ. આશરે ૫ વર્ષ) અને પુત્રી જીયાંશી (ઉ.વ. આશરે ૪ વર્ષ) ને ઓઢણી વડે ગળેફાંસો આપી મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કોઇ કારણસર બંને બાળકોનો જીવ બચી ગયો હતો.

આ બાદ રંજીતાબેને પોતે ગળેફાંસો ખાઈ લીધો હતો, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બીજા દિવસે સવારે ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં હાહાકાર મચી ગયો હતો. સ્થાનિક લોકોઍ તાત્કાલિક કપરાડા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસે મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો 

અને બંને બાળકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે કપરાડા પોલીસ સ્ટેશનમાં અપ્રાકૃતિક મૃત્યુનો ગુનો નોંધાયો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ઍન. વાંઝાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.

હાલમાં આ ઘટનાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી, પરંતુ પરિવારિક તણાવ કે માનસિક પરિસ્થિતિને કારણે આ બનાવ બન્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર ઘટનાઍ માનવતા હચમચાવી દીધી છે.