ઉમરગામ જીઆઇડીસી રહેઠાણ વિસ્તારમાં ગ્રાઉન્ડ અને ગાર્ડનમાં સુવિધા બહાલ કરવાની ઉઠી માંગ
- byDamanganga Times
- 01 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૩૦ ઉમરગામ જીઆઇડીસી રહેઠાણ વિસ્તારમાં રહેતા લોકોને મનોરંજન અને આરોગ્યલક્ષી સુવિધા મળી રહે તે હેતુથી ગ્રાઉન્ડ અને ગાર્ડન ડેવલપ કરવામાં આવ્યા છે, પરંતુ હાલમાં યોગ્ય જાળવણીના અભાવે સ્થાનિક રહીશો મુશ્કેલીનો સામનો કરી રહ્ના છે. ગ્રાઉન્ડ પર આવતા લોકો માટે અગાઉ પેવર બ્લોક નાખવામાં આવ્યા હતા, પરંતુ લાંબા સમયથી સફાઈ ન થતા વિસ્તાર બેદરકાર હાલતમાં ફેરવાયો છે. જેના કારણે સવારે-સાંજે ફરવા આવતા લોકો તેમજ બાળકોને રમવામાં મુશ્કેલી પડી રહી છે.ગાર્ડનની સ્થિતિ પણ ખરાબ બનતી જઈ રહી છે. સ્થાનિક રહીશો પરિવાર સાથે ગાર્ડનમાં આવે છે, પરંતુ જરૂરી સુવિધાઓના અભાવે થોડા જ સમયમાં પરત ફરતા જોવા મળે છે. ગાર્ડનમાં સફાઈ, લાઇટિંગ, બેસવાની વ્યવસ્થા અને સુરક્ષા જેવી સુવિધા તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા માંગ ઉઠી છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે નવા ચૂંટાયેલા મોટાભાગના સભ્યો પણ આ વિસ્તારમાં પરિવાર સાથે રહે છે, છતાં ગ્રાઉન્ડ અને ગાર્ડનમાં તેમની હાજરી ભાગ્યે જ જોવા મળે છે. જેના કારણે રહીશોના હિતમાં કોઈ કામગીરી થતી નથી.સ્થાનિકોઍ સંસ્થાના જવાબદાર હોદ્દેદારોને તાત્કાલિક ધ્યાન આપી જરૂરી કામગીરી પૂર્ણ કરી રહીશોને સારી સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે.
