વલસાડ કેરી માર્કેટમાં જાણીતા ઍક્સપોર્ટરને ત્યાં સાગમટે ૩૦૦ મણ હાફુસ ઉતર્યો
- byDamanganga Times
- 30 April, 2026
વલસાડ, તા. ૨૯ ઃ દક્ષિણ ગુજરાતના હબ ગણાતા વલસાડના કેરી માર્કેટમાં હવે સિઝન પૂરેપૂરી ખીલી રહી છે. માર્કેટમાં ધીરે ધીરે ખેડૂતો અને વેપારીઓ પોતાની વાડીઓમાંથી કેસર, હાફૂસ અને રાજાપુરી જેવી ઉત્તમ ગુણવત્તાની કેરીઓ વાહનો ભરીને વેચવા માટે લાવી રહ્ના છે. આ દરમિયાન આજે વલસાડ માર્કેટના જાણીતા વેપારીને ત્યાં મોટી આવક નોંધાતા ઉત્સાહ જોવા મળ્યો હતો.
વલસાડ કેરી માર્કેટમાં જાણીતા વેપારી અને નગરપાલિકા ઉપપ્રમુખ આશુતોષ આર. મિશ્રાને ત્યાં આજે ઍક સાથે ૩૦૦ મણ હાફૂસ કેરીનો લોટ આવતા માર્કેટમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઍ.આર. મિશ્રા માત્ર સ્થાનિક સ્તરે જ નહીં, પરંતુ દેશ-વિદેશમાં પણ કેરીના ઍક્સપોર્ટના નિષ્ણાંત માનવામાં આવે છે. વિદેશી બજારોમાં પણ વલસાડની હાફૂસની મોટી માંગ રહેતી હોય છે, જેના કારણે સ્થાનિક ખેડૂતોને પણ સારો ફાયદો મળે છે.
ચાલુ વર્ષે શરૂઆતની સિઝનમાં હાફૂસ કેરીના ભાવ પ્રમાણમાં વધુ જોવા મળી રહ્ના છે. તેમ છતાં સ્વાદના શોખીનોમાં તેની ડિમાન્ડમાં જરાય ઘટાડો થયો નથી. ઉલટું, ગુણવત્તાયુક્ત હાફૂસ મેળવવા માટે ગ્રાહકો પડાપડી કરી રહ્ના છે. માર્કેટમાં ખેડૂતો ટ્રેક્ટર અને ટેમ્પો જેવા વાહનોમાં મોટી માત્રામાં માલ લાવી રહ્ના છે. વલસાડ જિલ્લાના આસપાસના ગામડાઓમાંથી ખેડૂતો સીધા માર્કેટમાં વેપારીઓનો સંપર્ક કરી રહ્ના છે. જેમ જેમ તાપમાન વધશે, તેમ તેમ કેરીની આવકમાં હજુ પણ વધારો થવાની શક્યતા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
