સેલવાસમાં રિંગરોડના અધુરા કામથી ટ્રાફિક જામ
- byDamanganga Times
- 30 April, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા.૨૯ ઃ દાનહના બસેરા રોડથી રિંગરોડ સુધી ચાલી રહેલું રોડનું કામ હવે લોકો માટે મુશ્કેલી અને જોખમનું કારણ બની રહ્નાં છે. રસ્તાના ઍક ભાગમાં કામ ચાલી રહ્નાં છે, પરંતુ કોઈ રોડ ક્લોઝર બોર્ડ, ડાયવર્ઝન કે સત્તાવાર સૂચના બોર્ડ લગાવ્યું નથી. કામના કારણે સંકડી જગ્યામાં શિફટ બદલવાના સમયે ઉદ્યોગોમાં આવતી જતી બસોની અવરજવર વધે છે. જેના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાય છે. લોકોને લાંબા સમય સુધી અટવાઈ રહેવું પડે છે.
આ માર્ગની આસપાસ હજારો લોકોની વસાહત આવેલી છે. સાથે જ અંદાજે પાંચ પ્રી-નર્સરી શાળાઓ છે. જેમાંથી બે શાળાઓ રસ્તાથી માત્ર બે મીટરના અંતરે આવેલ છે. આવી સ્થિતિમાં ભારે વાહનોની અવરજવરથી નાના બાળકોની સુરક્ષા અંગે ચિંતા વધી રહી છે.
ઉદ્યોગ કર્મચારીઓઍ પિકઅપ અને ડ્રોપ સેવા અંગે અસંતોષ વ્યક્ત કર્યો છે. સમયસર કામદારોને પહોંચાડવાના દબાણમાં ભાડે લેવાયેલ બસોના ચાલકો જોખમ લઈ શોર્ટકટ અપનાવે છે. જેના કારણે અકસ્માતની સંભાવના વધી રહી છે. આ ઉપરાંત તૂટી ગયેલી પાણીની લાઇનના કારણે વારંવાર પાણી ભરાઈ જાય છે. જેના કારણે ટ્રાફિક વધુ પ્રભાવિત થાય છે. સ્થાનિકોના કહેવા મુજબ જ્યારે ઠેકેદાર અથવા નગરપાલિકાના કર્મચારીઓ સાથે વાત કરવામાં આવે છે. ત્યારે તેઓ સ્પષ્ટ જવાબ આપતા નથી અને જવાબદારી ઉપરના અધિકારીઓ અથવા પ્રભાવશાળી લોકો પર નાંખી દે છે. લોકો હવે તાત્કાલિક સુધારા માટે માંગ કરી રહ્ના છે. જેથી કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય.
