વલસાડ નિર્દોષ કર્મચારીને વીજ કરંટ આપી થર્ડ ડીગ્રી ટોર્ચર !
- byDamanganga Times
- 30 April, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૯ ઃ પડ્ઢિમ રેલવેના વલસાડ સ્થિત ઇલેક્ટ્રિક લોકોશેડમાં રેલવેના ઍન્જિનમાંથી નીકળતા ૪૦૦ કિલો જૂના તાંબાના સ્ક્રેપની ચોરીનો પડદો પાડવા માટે આપીઍફ દ્વારા ઍક નિર્દોષ કર્મચારીને વીજ કરંટ આપી ગુનો કબૂલાવવા મજબૂર કરાયો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે.
વલસાડ રેલવે લોકોશેડમાં ફરજ બજાવતા કૃણાલ રાજેશ પટેલ ઉં. વ. ૩૧ તેના પિતાના અવસાન બાદ તેને રહેમરાહે નોકરી મળી હતી. થોડા મહિના અગાઉ વલસાડના રેલવે લોકો શેડમાંથી ઍન્જિનમાંથી નીકળતા જુના તાંબાનો ૪૦૦ કિલો સ્ક્રેપની ચોરી થઈ હતી જે મામલે રેલવે કર્મચારી કૃણાલના આરપીઍફના અજયકુમાર અને અન્ય ત્રણ પોલીસ કર્મીઓઍ તેને ખોટા ગુનામાં ફસાવવા માટે આરપીઍફ ઓફિસમાં ગોંધી રાખ્યો હતો. પોલીસ મોટા માથાને બચાવવા માટે કૃણાલના બંને હાથમાં વાયર વીંટાળીને વીજ કરંટ આપવામાં આવ્યો હતો. કાનના ભાગે જોરદાર થપ્પડો મારી તેને માનસિક અને શારીરિક રીતે તોડી નાંખવાનો પ્રયાસ થયો હતો. હાલમાં યુવકની તબિયત લથડતા તેને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. ૯ માર્ચથી ૨૮ માર્ચ દરમિયાન સ્ટોર રૂમમાંથી અંદાજે રૂ.૫ લાખની કિંમતનું તાંબુ ગાયબ થઈ ગયું, છતાં સ્ટોરનું સીલ કે તાળું તૂટ્યું નથી. ચોરીમાં ડુપ્લીકેટ ચાવી સ્ટોર વિભાગના જવાબદાર કર્મચારીઓ અને સુપરવાઈઝરોની મિલીભગત વગર આ સંભવ નથી. ૪૦૦ કિલો જેટલો વજનદાર જથ્થો સુરક્ષા કર્મીઓની નજર બહાર જવો ઍ સુરક્ષા વ્યવસ્થાની ઘોર નિષ્ફળતા છે. ઘટનાની ગંભીરતાને જોઈ રેલવે તંત્રે ઉતાવળે સ્ટોર ઇન્ચાર્જ સહિત ૭ કર્મચારીઓની બદલીના ઓર્ડર કરી દીધા છે. પરંતુ રેલવેના કર્મચારી આલમમાં ભારે રોષ છે. કર્મચારીઓનું કહેવું છે કે બદલી ઍ કોઈ સજા નથી. ચોરીમાં સામેલ કર્મચારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરી જેલ ભેગા કરવાને બદલે તંત્ર માત્ર બદલી કરીને ભીનું સંકેલવાનો પ્રયાસ કરી રહ્નાં છે. રેલ્વેમાંથી થયેલી ૪૦૦ કિલો તાંબાની ચોરી અંગેની તટસ્થ તપાસ કરે તે જરૂરી છે.
