પારડીનો યુવક ફેસબુક પર લોનની લાલચમાં છેતરાયો
- byDamanganga Times
- 28 April, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૭ ઃ વલસાડ જિલ્લા ના પારડી વિસ્તારમાં ઍક ગંભીર સાયબર ઠગાઈનો બનાવ સામે આવ્યો છે.
જેમાં ફેસબુક પર લોન આપવાની જાહેરાત જોઈ ઍક વ્યક્તિ છેતરપિંડીનો ભોગ બન્યો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, પીડિત વ્યક્તિઍ ફેસબુક પર દર્શાવવામાં આવેલી આકર્ષક લોન ઓફર જોઈ પોતાની માહિતી શેર કરી હતી ત્યારબાદ અજાણ્યા શખ્સોઍ પોતાને લોન કંપનીના પ્રતિનિધિ તરીકે ઓળખાવી, ઓછી વ્યાજદરે તરત લોન મંજુર કરવાની ખાતરી આપી. શરૂઆતમાં પ્રોસેસિંગ ફી, ફાઈલ ચાર્જ અને અન્ય કારણો બતાવી પીડિત પાસેથી અલગ-અલગ બેંક ખાતાઓમાં અનેક હામાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા.
ફરિયાદ મુજબ, આરોપીઓઍ અનેક ટ્રાન્ઝેક્શન દ્વારા મોટી રકમ હડપી લીધી અને બાદમાં સંપર્ક તોડી દીધો હતો. આ સમગ્ર બનાવ અંગે પીડિતે પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે આ પ્રકારના લોન સ્કેમોમાં ઠગો સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી લોકોને ઝડપી લોન અને ઓછા વ્યાજના લાલચ આપી છેતરતા હોય છે.
પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે અજાણી લોન ઓફર, ખાસ કરીને ફેસબુક કે વોટ્સઍપ મારફતે મળતી જાહેરાતોથી સાવચેત રહેવું અને કોઈપણ વ્યક્તિને રૂપિયા ટ્રાન્સફર કરતા પહેલા સંપૂર્ણ ચકાસણી કરવી જરૂરી છે.
