ગણદેવીમાં મતગણતરી દિવસે ટ્રાફિક રૂટમાં ફેરફાર
- byDamanganga Times
- 28 April, 2026
(દમણગંગા ટાઈમ્સ)
નવસારી, તા. ૨૭ ઃ આજે મતગણતરીને ધ્યાનમાં રાખીને ગણદેવીમાં સવારે ૦૮ઃ૦૦ કલાકથી સાંજે ૦૬ઃ૦૦ કલાક સુધી કેટલાક માર્ગો પર વાહન વ્યવહાર માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જાહેરનામા મુજબ ગણદેવી ચાર રસ્તા સર્કલથી સરદાર ચોક, બસ સ્ટેન્ડ, શમજી મંદિર, બંધારા વેગણીયા નદી થઈ બીલીમોરા તરફ જતા વાહનો માટે માર્ગ બંધ રહેશે. આ વાહનો માટે વૈકલ્પિક માર્ગ તરીકે ગણદેવી ચાર રસ્તાથી ધનોરી નાકા, સુગર ફેક્ટરી રોડ થઈ બીલીમોરા તરફ જવાનું સૂચન કરવામાં આવ્યું છે. તેમજ વલોટી બ્રહ્માદેવ મંદિર થઈ બંધારા વેગણિયા નદી, રામજી મંદિર, બસ સ્ટેન્ડ, સરદાર ચોક, ગણદેવી ચાર રસ્તા થઈ નવસારી તરફ જતા વાહનો માટે પણ પ્રતિબંધ રહેશે. આવા વાહનો માટે વૈકલ્પિક માર્ગ તરીકે વલોટી બ્રહ્માદેવ મંદિરથી ભૈયા ટેકરી, કરબા રેલ્વે ફાટક, સુગર ફેક્ટરી, ધનોરી નાકા અને ગણદેવી ચાર રસ્તા સર્કલ થઈ નવસારી તરફ જવાનું જણાવાયું છે.
