દાનહમાં વિશ્વ મલેરિયા દિવસે નમો હોસ્પિટલ ખાતે વર્કશોપ યોજાયો
- byDamanganga Times
- 27 April, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા.૨૬ ઃ વિશ્વ મલેરિયા દિવસ નિમિત્તે દાદરા અને નગર હવેલી, દમણ અને દીવમાં રાષ્ટ્રીય વેક્ટરજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ વિભાગ દ્વારા નમો હોસ્પિટલ ખાતે વર્કશોપ યોજાયો હતો. આ કાર્યક્રમ આરોગ્ય સચિવ ઍ. ગોપી કૃષ્ણના માર્ગદર્શન અને મિશન ડિરેક્ટર ઍનઍચઍમ તથા સંયુક્ત આરોગ્ય સચિવ અમિત પમાસીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
આ વર્કશોપમાં ખાનગી અને સરકારી ડૉક્ટરો, લેબ ઇન્ચાર્જ, મેડિકલ કોલેજ સ્ટાફ અને રેસિડેન્ટ ડૉક્ટરોને મલેરિયા અંગે જાગૃતિ આપવામાં આવી હતી. કાર્યક્રમની અધ્યક્ષતા અમિત પમાસીઍ કરી હતી.
તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે પ્રદેશમાં મલેરિયાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને સંયુક્ત પ્રયાસોથી મલેરિયાને સંપૂર્ણ રીતે દૂર કરી શકાય છે. તમામ હિતધારકોને મલેરિયા મુક્ત પ્રદેશ બનાવવા માટે સહયોગ આપવા અપીલ કરી હતી.
આઈસીઍમઆરના વૈજ્ઞાનિક ડૉ. રાજેન્દ્ર કુમાર બેહરિયાઍ ટેક્નિકલ માહિતી આપી અને ખાનગી ક્ષેત્રની ભૂમિકા મહત્વપૂર્ણ ગણાવી હતી। ડૉ. હરિપ્રિયાઍ મલેરિયાના ઍપિડેમિયોલોજી વિષે માહિતી આપી હતી, જ્યારે ડૉ. મંજુલાઍ પેનલ ચર્ચા સંચાલિત કરી હતી.
રાજ્ય કાર્યક્રમ અધિકારી ડૉ. ગણેશ વર્ણેકરે જણાવ્યું હતું કે પ્રદેશમાં મલેરિયાના કેસ હવે ઍકલ અંકમાં આવી ગયા છે. કાર્યક્રમ દરમિયાન વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતાં.
વિશ્વ મલેરિયા દિવસ નિમિત્તે સમગ્ર પ્રદેશમાં જાગૃતિ અભિયાન હાથ ધરાયું હતું. રેડિયો કાર્યક્રમો, ગામ સ્તરે જાગૃતિ પ્રવૃત્તિઓ, સ્વચ્છતા અભિયાન, રેલીઓ તેમજ શાળા-કોલેજોમાં સ્પર્ધાઓ યોજાઈ હતી. ઉદ્યોગ વિસ્તારો અને વસાહતોમાં ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેમાં પ્રવાસી વસ્તીને ખાસ ધ્યાનમાં લેવામાં આવી હતી. ઉચ્ચ જોખમવાળા વિસ્તારોમાં લાર્વા સર્વે અને કીટનાશક છંટકાવ કરવામાં આવ્યો હતો તેમજ જાહેર સ્થળોઍ મલેરિયા નિયંત્રણ સાધનોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
