લવાછા, પિપરિયા અને કરમખલમાં ચોમાસા પહેલાં ગંદકી સાફ થવી જરુરી
- byDamanganga Times
- 27 April, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૨ં૬ ઃ ઍક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત મોડલને વિકાસ અને સુશાસનનું પ્રતિક ગણાવે છે, ત્યારે વલસાડ જિલ્લાના લવાછા, પિપરિયા અને કરમખલ વિસ્તારોની હાલત આ દાવાઓ પર પ્રશ્નો ઉભા કરે છે. અહીં રસ્તાઓની બાજુઍ ફેલાયેલો કચરો વિકાસની હકીકત સામે મૂકે છે વિસ્તારમાં જ્યાં નજર જાય ત્યાં કચરાના ઢગલા જોવા મળે છે. કચરા નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા નથી અને નિયમિત સફાઈ પણ થતી નથી. આ ગંદકી વચ્ચે બાળકો રમતા જોવા મળે છે અને પશુઓ પણ આ જ કચરામાં ખોરાક શોધતા હોય છે. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સ્વચ્છતાને પ્રોત્સાહન આપવામાં આવે છે અને જનપ્રતિનિધિઓ દ્વારા પણ સફાઈના સંદેશ આપવામાં આવે છે. છતાં પ્રશ્ન ઍ છે કે સત્તા ઍક જ પક્ષ પાસે હોવા છતાં આ વિસ્તારોમાં ગંદકી કેમ દૂર થતી નથી.આ સમસ્યા માત્ર દેખાવની નથી, પરંતુ જાહેર આરોગ્ય સાથે જોડાયેલી છે. વરસાદી મોસમ નજીક છે. સમયસર કચરો દૂર નહીં કરવામાં આવે તો પાણી ભરાવાથી દુર્ગંધ અને રોગચાળો ફેલાવાનો ભય છે. સ્થાનિક લોકોની માંગ છે કે તાત્કાલિક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે અને કચરા નિકાલ માટે કાયમી વ્યવસ્થા ઉભી કરવામાં આવે. સાથે જ જનપ્રતિનિધિઓઍ માત્ર દાવાઓ નહીં પરંતુ જમીન પર કામ કરીને સમસ્યાનો ઉકેલ લાવવો જોઈઍ.
